
અમદાવાદ પોલીસની કાર્યશૈલી પર અનેક સવાલો ઉઠ્યા..
અમદાવાદમાં જાહેરમાં કાયદાના લીરેલીરા ઉડાડતા અસામાજીક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, પોલીસ ફક્ત પેટ્રોલિંગના નામે સરકારી પૈસાનો ઘુમાડો કરી રહી છે, અમદાવાદ માં અનેક એવી ઘટનાઓ બની છે જેમાં પોલીસની ઢીલી નીતિને કારણે અસામાજીક તત્વો સરેઆમ ગુનાખોરી આચરી રહ્યાં છે, ગઈ કાલે રાત્રે અમદાવાદના નોબલનગર ટર્નિંગ પાસે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી આવી જ એક ભયાનક ઘટના સામે આવી છે, અંગત અદાવતમાં પોલીસ સ્ટેશન જઈ રહેલા એક યુવકને રસ્તામાં જ આંતરીને ચાર હુમલાખોરોએ લાકડીઓ વડે બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું.
આ હુમલા દરમિયાન યુવકને બચાવવા વચ્ચે પડેલી મહિલાઓ પર પણ હુમલાખોરોએ નિર્દય બની મહિલાઓ પર લાકડીઓનો એવો વરસાદ વરસાવ્યો કે તેમના હાથ સૂજી ગયા હતા અને તે લોહીલુહાણ થઈ ગઈ હતી, જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ઇજાગ્રસ્ત મહિલા અને તેના પરિવારજનોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમે ન્યાય માટે પોલીસ ચોકીએ જ જઈશું, ભલે ત્યાં અમારું મોત થાય, આ ઘટનાની જાણ થતા જ સરદારનગર અને એરપોર્ટ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાગ્રસ્ત પીડિતોને મદદ કરવાને બદલે બંને પોલીસ સ્ટેશનોની હદ બાબતે વિવાદ સર્જાયો હતો.




