
આણંદ જીલ્લાના ખંભાત શહેરમાં ફરિયાદી અને તેઓના ભાગીદાર દ્વારા જમીન રાખી તેમાં પ્લોટ પાડેલા હતા આ જમીન અશાંતધારા હેઠળ આવતી હતી, જેથી પ્લોટ વેચાણ આપવા અશાંતધારાની મંજુરી મેળવવા જમીનના માલિકે વેચાણ લેનારની વિગત સાથે પ્રાંત કચેરી ખંભાત ખાતે અરજી કરેલી, જે અરજી પોલીસ અભિપ્રાય અર્થે ખંભાત સીટી પો.સ્ટે. ખાતે આવેલી આ કામના આરોપી ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ -૩ પો.સ.ઈ પંકજકુમાર પરષોત્તમભાઇ પટેલ દ્વારા આ અરજીની તપાસ કરતા હોઇ આ કામના ફરીયાદી આરોપીને મળી અશાંતધારાની મંજુરી મેળવવા આવેલી બે અરજીઓના અભિપ્રાય બાબતે વાત કરતા આરોપીએ એક અરજી દીઠ પંદર હજાર એમ કૂલ ત્રીસ હજારની લાંચની માંગ કરેલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદને આધારે સુપરવિઝન અધિકારી, એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, ઇન્ચાર્જ અધિકારી, હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ અને ટ્રેપીંગ અધિકારી, સુ.શ્રી એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી.પો.સ્ટે, આણંદ તથા ટીમ દ્વારા સ્થળ – લાલ દરવાજા પોલીસ ચોકી પાસે, જાહેર જગ્યા પર, ખંભાત ખાતે લાંચનુ છટકું ગોઠવતા લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી સાથે લાંચની માંગણીની હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણા રૂપિયા ત્રીસ હજાર લીધા હતા, ત્યારે જ એ.સી.બીની ટીમે તેમને રંગે હાથ ઝડપી લીધા હતા.




