
રાજકોટ નાં જંગલેશ્વર અને આજી નદીના પટ નાં વિસ્તારમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા આશરે ૧૪૦૦ થી વધુ મકાનો તોડી પાડવા માટે તંત્રએ આજે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ – ૧૬૩ લાગુ કરી મેગા ડિમોલિશન ની કામગીરી હાથ ધરી છે, મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે ૧૧૩૦ થી વધુ મનપા કર્મચારીઓ, ૨૬૦ થી વધુ વાહનો સાથે JCB હિટાચી, બ્રેકર અને ડમ્પરનો વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે, આજી નદી પટની ૫૫૦૦૦ ચો.મી. અને ટી.પી. રોડની ૩૨૦૦૦ ચો.મી. મળી કુલ ૮૭૦૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.
આ વિસ્તારની શેરીઓ એટલી સાંકડી છે કે કોઈ દુર્ઘટના સમયે બચાવ કાર્ય અશક્ય બને છે અને ચોમાસામાં આજી નદીના પૂરના કારણે દર વર્ષે અહીં જાનમાલનું જોખમ રહે છે, તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં, રવિવાર સાંજ સુધીમાં અંદાજે ૨૨૫ પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા, સોમવારે સવારે ૮ વાગ્યાથી ડિમોલિશન ની કામગીરી શરૂ થશે, જે અંદાજે ત્રણ દિવસ સુધી ચાલશે.




