નર્મદા જીલ્લાના સાગબારાના ગીચ જંગલોમાં, સાતપુડાની તળેટીમાં દેવમોગરા ધામ ખાતે આજે અનાદિકાળ થી ચાલી આવતી પરંપરા મુજબ આદિવાસી સમાજના કુળદેવી પાંડોરી માતાના મંદિરે મહા શિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે, આ દેવી પૂજાની વિશેષતા એ છે કે, આજના પવિત્ર મહા શિવરાત્રિના દિવસે આ વિસ્તારમાં શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે, આદિવાસી સમાજમાં અનાદિકાળથી યોજાતો અહીંનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જ્યાં ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી લાખો શ્રદ્ધાળુઓ અહીં પોતાની બાધા પૂરી કરવા આવે છે, અહીં નૈવેદ્યમાં વાંસની ટોપલીમાં નવું અનાજ, દેશી દારૂ અને મરઘા-બકરા ચઢાવવાની પરંપરા છે, પાંચ દિવસ સુધી ચાલતા આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના સાક્ષાત્ દર્શન થાય છે.