
અમદાવાદના ચાંદખેડા વિસ્તારનાં ૬૧ વર્ષીય વૃદ્ધ સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂ. ૫૩.૭૦ લાખની છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, ટ્રેડિંગમાં મોટો નફો મેળવવાની લાલચમાં વૃદ્ધે પોતાની જિંદગીની જમાપુંજી ગુમાવી દીધી છે, સાયબર ગઠિયાઓ હવે નિવૃત્ત લોકોને નિશાન બનાવી રહ્યા છે, નિવૃત્ત જીવન ગાળતા આ વૃદ્ધ જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ રહ્યા હતા, ત્યારે તેમને ટ્રેડિંગ દ્વારા વધુ કમાણી કરવાની એક જાહેરાત દેખાઈ હતી, લિંક પર ક્લિક કરતા જ એક ફોર્મ ખુલ્યું, જેમાં વિગતો ભરતાની સાથે જ ગઠિયાઓએ સંપર્ક કર્યો હતો, સાયબર ઠગ ટોળકીના એક શખ્સે કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપીને વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા, વિશ્વાસમાં આવી ગયેલા વૃદ્ધે ગત ૧૧ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી દરમિયાન ટુકડે-ટુકડે કુલ ૫૩.૭૦ લાખ રૂપિયા રોકાણ પેટે ટ્રાન્સફર કરી દીધા, જ્યારે વૃદ્ધે નફાની રકમ ઉપાડવાની કોશિશ કરી ત્યારે છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો ઠગ ટોળકીએ પૈસા આપવાના બદલે ‘ડેકલેરેશન ફી’ ના નામે વધુ નાણાં માંગ્યા હતા, શંકા જતાં તપાસ કરતા વૃદ્ધને જાણ થઈ કે તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે, હાલ આ મામલે વૃદ્ધે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આ ટોળકીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે.
ઠગ ટોળકી દ્વારા એવી રીતે જાળ બિછાવી હતી કે કોઈ પણ છેતરાઈ જાય, જેમાં શરૂઆતમાં વૃદ્ધ પાસે ૨૧૦૭૦ નું રોકાણ કરાવ્યા બાદ પોર્ટલ પર નફો બતાવીને વિશ્વાસ જીતવા માટે ૧૦ યુએસ ડોલર ઉપાડવા પણ દીધા હતા, જ્યારે વૃદ્ધે સેબી (SEBI) રજીસ્ટ્રેશનની માંગ કરી, ત્યારે ઠગ ટોળકીએ સેબીના લોગોવાળા બોગસ લેટરો મોકલી તેમને વિશ્વાસ માં લીધા હતા.




