
મળતી માહિતી મુજબ અમદાવાદમાં અંદાજે ૨૫૦૦૦ થી વધુ નાની – મોટી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણી – પીણીની લારીઓ ચાલે છે જેમાં રોજનું સરેરાશ ૧ કિલો પનીર પણ એક રેસ્ટોરન્ટમાં વપરાય તો એકલા અમદાવાદમાં રોજનું ૨૫૦૦૦ કિલો પનીર ખવાઈ જાય, એક કિલો અસલ પનીર બનાવવા સરેરાશ ૧૦ લીટર દૂધ જોઈએ જેની સામે આટલો મોટો દૂધનો સપ્લાય ઉપલબ્ધ ન હોવાથી એનાલોગ પનીરનો વ્યાપ વધ્યો છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના નિયમ મુજબ, જો કોઈ હોટલમાં એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોય તો મેનુ કાર્ડમાં સ્પષ્ટપણે તેની જાણકારી આપવી ફરજિયાત છે, પરંતુ અમદાવાદની ૯૦ ટકા હોટલો આ નિયમનો ભંગ કરી રહી છે, છેલ્લા ૬ મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આશરે ૧૫૦૦ કિલો નકલી પનીર ઝડપ્યું છે આનાથી વધારે જથ્થો અધિકારીઓની મિલીભગત અથવા અપૂરતા ચેકિંગને કારણે સીધો ગ્રાહકોની થાળી સુધી પહોંચી જાય છે.
એનાલોગ પનીર એ અસલ પનીર નથી તેને દેખાવમાં પનીર જેવું બનાવવા માટે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, મિલ્ક પાવડર અને વિવિધ કેમિકલ્સ નો ઉપયોગ કરાય છે અને તેના પેકિંગ પર સ્પષ્ટ લખેલું હોય છે કે ‘આ દૂધ માંથી બનેલું નથી’, છતાં હોટલ સંચાલકો નફાની લાલચમાં તેને શુદ્ધ પનીર તરીકે ખવડાવે છે, શુદ્ધ પનીરનો ભાવ ૪૦૦ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે, જ્યારે એનાલોગ પનીર હોલસેલમાં માત્ર ૨૦૦ રૂપિયાથી ૨૫૦ રૂપિયામાં મળી જાય છે, શુધ્ધ પનીર કરતા લગભગ અડધી કિંમતે મળતું આ નકલી પનીર લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.




