
જૂનાગઢ યાર્ડમાં ચાર દિવસમાં ૫૬૦ ક્વિન્ટલ ડુંગળીની આવક થતાં જ ડુંગળી નાં ભાવમાં કડાકો થયો છે, ઠંડીમાં વધારો થતા જ શાકભાજીની આવકમાં વધારો થઈ રહ્યો છે, યાર્ડમાં કસ્તુરીની પણ મબલખ આવક થઈ રહી છે, હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી મણના રૂા.૫૦ થી ૨૫૦ જેવા સસ્તા ભાવે વેચાણ થઈ રહી છે, ડુંગળીનું વાવેતર જૂનાગઢ જીલ્લા માં ૨૩૫૨ હેક્ટરમાં થયું છે, હાલ માર્કેટિંગ યાર્ડમાં જીલ્લાની આસપાસના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે, ડુંગળીની આવકમાં વધારો થયો પરંતુ ખેડૂતોને તો સસ્તા ભાવે જ ડુંગળીનું વેચાણ કરવું પડી રહ્યું છે.
ડુંગળી નાં વાવેતરથી લઈ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવા ખેડૂતોને ખાસ્સો ખર્ચ થતો હોવાથી અને ડુંગળીના સામાન્ય ભાવ મળતા હોવાથી ખેડૂતો નિસાસા નાખી રહ્યા છે તો બજારમાં વેપારીઓ દોઢથી બે ગણા ભાવ મેળવી નફાખોરી કરી રહ્યા છે, આ સપ્તાહમાં માર્કેટિંગ યાર્ડમાં હોલસેલમાં ડુંગળી પ્રતિ કિલો માત્ર રૂા.ર.૫૦ થી ૧૨.૫૦ સુધીના ભાવે મળી રહે છે, જ્યારે સ્થાનિક બજારમાં વેપારીઓ પ્રતિ કિલોના રૂા.૨૫ થી ૩૦ ના ભાવે ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે.




