
અમદાવાદના વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેકસની સોલવન્ટ સહિત અન્ય ફલેમેબલ ઓઈલ રાખતી એક દુકાનમાં મંગળવારે સવારે ૯.૩૦ કલાકે આગ લાગી હતી, આ આગ જોતજોતામા બે માળના બિલ્ડિંગમાં આવેલી ૧૮ દુકાન સુધી ઝડપથી પ્રસરી જતા આગ બેકાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડને કોલ કર્યો હતો, ફાયર કંટ્રોલને આગનો મેસેજ મળતા શરુઆતના તબકકે બે ટેન્કર ઘટના સ્થળે આગ ઓલવવા મોકલાયા હતા, સ્થળ ઉપર આગની પરિસ્થિતિ જોઈ એક મીની ફાયર ફાઈટર,એક ફાયર ફાઈટર ઉપરાંત દસ ગજરાજની સાથે એક વોટર બ્રાઉઝર સાથે અલગ અલગ ફાયર સ્ટેશનના અધિકારીઓ તથા ફાયરના જવાનોને આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા.
ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા અલગ અલગ ટીમ બનાવી પાણીના મારાની સાથે ફોમનો ઉપયોગ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કરવામા આવ્યા હતા, મંગળવારની આગની ઘટનામા સ્થળે ચીફ ફાયર ઓફિસર આગ બુઝાવવા આવી પહોંચતા AMC વર્તુળોમાં ચર્ચાનુ કેન્દ્ર બનવા પામી હતી, જે દુકાનમાં આગ લાગી હતી એ દુકાનમા ફાયર સેફટી અંગેના કોઈ સાધન નહીં હોવાનો ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગેરેએ સ્વીકાર કર્યો હતો, આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા દુર દુર સુધી આગની જવાળાઓ જોવા મળતી હતી, અઢી કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવ્યો, આગ ઓલવવા પાણીના મારાની સાથે ૫૦ ફોમ કેરબાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, આગ લાગવા પાછળ ફાયર વિભાગે શોટ સરકીટનુ પ્રાથમિક તારણ આપ્યુ છે, સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહોતી.




