ગાંધીનગર મેડિકલ કોલેજ સંચાલિત માણસા-મહુડી રોડ પર આવેલ સ્વ.જશુબેન ભગવાનભાઈ ગોહિલ હોમિયોપેથી હોસ્પિટલ-કોલેજના સિનિયર મેડિકલ ઓફિસરના રેકોર્ડ રૂમમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી, સ્વ.જશુબેન હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં અચાનક આગ લાગતા કોલેજ કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી, રેકોર્ડ રૂમ માં લાગેલી આગના લીધે રૂમમાં રહેલા દસ્તાવેજો સહિતનો સામાન, ફાઈલો, કમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આગના બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો, ફાયર અધિકારીએ જણાવ્યું કે, કોલેજમાં રાખવામાં આવેલા આગ ઓલવવાના ફાયર એક્સ્ટીંગ્યુઝરની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી અને કયા કારણોસર આગ લાગી તે હજુ બહાર આવ્યું નથી, આ દુર્ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.