
બિહારમાં NDA ને પ્રચંડ વિજય મળ્યા પછી PM નરેન્દ્ર મોદીએ પક્ષના મુખ્યમથકે કાર્યકરો અને સમર્થકોનો આ વિજય બદલ આભાર માન્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, મને ખાતરી છે કે આગામી વર્ષે પશ્ચિમ બંગાળની પ્રજા પણ જંગલરાજને ફગાવી દેશે, ભાજપની UP થી લઈ બિહાર સુધી પહોંચેલી ગંગા છેવટે બંગાળ સુધી પણ પહોંચશે.
PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમલીગી માઓવાદી કોંગ્રેસ બની ગઈ છે, કોંગ્રેસમાં કામદાર કરતાં નામદાર વધારે છે, તે નામદારોનો બનેલો પક્ષ છે, કોંગ્રેસની અંદર કેટલાક નામદાર એવા છે જે તેમની સાથે જોડાનાર દરેકને લઈને ડૂબે છે, ડૂબવાની તેમની આ પરંપરા હવે દિનપ્રતિદિન નવો ઇતિહાસ સર્જી રહી છે, કદાચ ભારતીય રાજકારણમાં પરાજયનો નવો અધ્યાય લખે તો પણ આશ્ચર્ય નહીં થાય, તેમણે ઉમેર્યુ હતું કે બિહાર લોકશાહીની જનની છે અને બિહારની પ્રજાએ તેમની લોકશાહી પર તરાપ મારનારાઓને ધૂળ ચાટતા કરી દીધા છે, બિહારે ફરીથી બતાવ્યું છે કે અસત્ય પરાજિત થાય છે અને સત્યનો વિજય થાય છે, તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તેની પાસે દેશને લઈને કોઈ પોઝિટિવ વિઝન નથી, તેના સહયોગી પક્ષો તેને સત્તા માટે વળગેલી ઉધઈ જેવા છે, જે તેને કોરી ખાઈ રહ્યા છે, બિહારનો વિજય તે ત્યાંની પ્રજા માટે નવા યુગનો પ્રારંભ છે અને આગામી પાંચ વર્ષ રાજ્ય પૂરઝડપે વિકાસ સાધશે.




