
ભારતીય ચૂંટણી પંચે મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે Special Intensive Revision (SIR) શરૂ કરવામાં આવી છે, હાલમાં મતદારોની ગણતરીનો તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર અને જીલ્લા ની તમામ ૨૧ વિધાનસભા નાં મત વિસ્તારમાંથી એક પણ મતદારનું નામ મતદારયાદી માંથી બાકાત ન રહે તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે, અમદાવાદ શહેર-જીલ્લા નાં વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો માટે જીલ્લાના તમામ ૫૫૨૪ મતદાન મથકો ખાતે તા.૧૫,૧૬ અને ૨૨,૨૩ નવેમ્બરના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો તમામ મતદારો લાભ લઈ શકશે.
આ વિશેષ કેમ્પના ચાર દિવસ દરમિયાન મતદારો પોતાના સંબંધિત મતદાન મથક પર જઈને BLO ની મદદથી વર્ષ-૨૦૦૨ની મતદાર યાદીમાં પોતાનું નામ શોધી શકશે તેમજ જો નામ ન હોય અથવા તેમનાં માતા/પિતા/દાદા/દાદીનું નામ પણ વર્ષ-૨૦૦૨ની મતદાર યાદીમાં ન હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગેનું માર્ગદર્શન પણ BLO પાસેથી મેળવી શકાશે, જે નાગરિકોએ સ્થળાંતર કરેલ છે અને BLOની મુલાકાત સમયે ઘરે હાજર ન હોય અથવા અન્ય કોઈ પણ કારણસર એન્યુમરેશન ફોર્મ મળ્યું ન હોય, તો આવા તમામ મતદારો ઉપરોક્ત દિવસો દરમિયાન સંબંધિત મતદાન મથક પર જઈ એન્યુમરેશન ફોર્મ મેળવી શકશે તેમજ ભરેલાં ફોર્મ પરત પણ આપી શકશે,ઉપરોક્ત દિવસો દરમિયાન વધુ ને વધુ સંખ્યામાં આ વિશેષ કેમ્પનો લાભ લેવા તેમજ ચૂંટણી તંત્રને સહયોગ આપવા માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા તમામ નાગરિકોને અનુરોધ કરાયો છે.




