
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇસ્કોન ચાર રસ્તા નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું દબાણ હટાવ વિભાગ નિયમિત કામગીરીના ભાગરૂપે ઇસ્કોન ચાર રસ્તાની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ગયું હતું, આ દરમિયાન દબાણકર્તાઓએ સત્તાવાળાઓનો વિરોધ કર્યો અને મામલો જોતજોતામાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
ગેરકાયદેસર દબાણ હટાવવા માટે પહોંચેલા અમ.મ્યુ.કોર્પોરેશનના કર્મચારીઓ અને દબાણકર્તા જૂથ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું, દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ અને મજૂરો પર હુમલો કરવામાં આવ્યો જેમાં ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી, એક મજૂરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય બે મજૂરોને સામાન્ય ઈજાઓ થઈ હતી, ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અમ.મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓએ તાત્કાલિક આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, દબાણ વિભાગના કર્મચારીઓએ સત્તાવાર રીતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા દબાણકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદના આધારે ઘટનાની તપાસ શરૂ કરી હુમલાખોરોને ઓળખી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરી છે.




