
અમદાવાદ શહેર ના રસ્તાઓ ઉપર દોડતી આશરે બે લાખ ઓટો રિક્ષાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી મુસાફરો અને શહેરીજનો જોઈ શકે એવી રીતે રિક્ષા ની આગળ અને પાછળના ભાગે હૂડ ઉપર સ્ટીકર લગાવવા અમદાવાદ પોલીસ કમિશનરે આદેશ કર્યો છે.
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ૨૮ મી ઓક્ટોબરે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં મોડી રાત્રે કે વહેલી સવારે બહારના જિલ્લા અને રાજ્ય માંથી આવતા સિનિયર સિટીઝન, મહિલાઓ સહિતના મુસાફરો સાથે ઓટો રિક્ષામાં મુસાફરી દરમ્યાન ચોરી, લૂંટ અને બળજબરીપૂર્વક વસ્તું કઢાવી લેવાના બનતા બનાવો અટકાવવા અને બનાવ બને તો આરોપી તરત શોધી શકાય તે હેતુ થી ઓટો રિક્ષાને ઓળખી કાઢવા સ્ટીકરો લગાવવા જરૂરી હોઈ અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ઓટો રિક્ષાની નોંધણી નું એક રજીસ્ટર બનાવી તેમાં નોંધણી કરવા અને પ્રજાની સાથે ચોરી-લૂંટના બનતા બનાવોને અટકાવવા માટે પ્રજાની સલામતી માટે અમદાવાદ શહેર નાં તમામ પોલીસ સ્ટેશનોનાં રજીસ્ટરમાં નોંધાયેલ તમામ ઓટો રિક્ષાની નોંધણી ના નંબર, પોલીસ સ્ટેશનનું નામ અને અમદાવાદ શહેર પોલીસ ડાયલ નંબર – ૧૧૨ નાં લખાણ સાથેનું સ્ટીકર લગાવવાનો આદેશ કરાયો છે જેથી કોઈ ગુનો બને ત્યારે તેને ઉકેલવા, આરોપીને પકડી પાડવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે ત્યારે સ્ટીકર ઉપર લખેલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સિરિયલ નંબરથી ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા અંગેની જાણકારી તરત મળી રહે.




