
ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને છેલ્લા બે-ચાર દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેમાં ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર-કચ્છ સુધીના વિસ્તારોમાં વરસાદ પડતાં ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને ફરી એકવાર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે, હાલમાં લાખો હેક્ટરમાં કપાસ અને મગફળીનો પાક ઊભો છે આ માવઠાને લીધે કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, વરસાદી પાણીમાં ભીંજાવાથી આ બંને મુખ્ય પાકોમાં સડો થઈ જવાની અને ગુણવત્તા બગડી જવાની સ્થિતિ સર્જાઈ છે.
આ ઉપરાંત, કઠોળના પાકને પણ વ્યાપક નુકસાન થવાના અહેવાલ છે, વાલોળ, દુધી અને તુરીયા જેવી વેલાવાળી શાકભાજી સડી જવાની સ્થિતિમાં છે, કૃષિ નિષ્ણાતો માને છે કે જો હજુ એક-બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, તો મોટાભાગની વેલાની શાકભાજી નાશ પામશે અને કોબી, ફ્લાવર, રીંગણ જેવી શાકભાજીમાં ભેજભર્યા વાતાવરણને કારણે ઈયળ અને જીવજંતુનો ઉપદ્રવ વધવાની સંભાવના છે, માત્ર શાકભાજી જ નહીં, કેળા જેવા બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે.




