ગુજરાત સરકાર દ્વારા જાહેર ઉપયોગ માટે AMC ને સોંપવામાં આવેલ તળાવ અને આસ પાસ ની બગીચા માટે રિઝર્વ રાખેલ જગ્યામાં ગેરકાયદેસર દબાણો કરતા તત્વો પર AMC ના અધિકારીઓ પણ મહેરબાન હોય તેમ કુદકે ને ભુસકે આ તળાવની અને બગીચાની જમીન પર ગેરકાયદેસર દબાણો વધી રહેલ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળેલ છે.
AMC ના દક્ષિણ ઝોનનાં લાંભા વિસ્તારમાં નારોલ ગામના રેવન્યુ સર્વે નંબર – ૧૫૦ પૈકી ખાતે વણઝારી તળાવ નામે ઓળખાતી તળાવની જમીન અને બગીચા માટે રિઝર્વ રાખવામાં આવેલ જમીન પર ગેરકાયદેસર દુકાનો બાંધવામાં આવી રહેલ છે, ઇસનપુર ખાતેના ચંડોળા તળાવ પર ગેરકાયદેસર દબાણો કરી કાળો કારોબાર કરનાર લલ્લા બિહારી ની જેમ વણઝારી તળાવ ની જમીન પર કબજો કરનાર તત્વો વિરુદ્ધ કાર્યવાહી કોણ કરશે.? સ્થાનિકો દ્વારા તેવા સવાલો કરી રહ્યાં છે.
ગુજરાત સરકારને ચંડોળા તળાવ ની જમીન ખુલ્લી કરાવવા માટે ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું હાલમાં આ વણઝારી તળાવ પર ગેરકાયદેસર દબાણો જે પ્રકારે વધી રહ્યાં છે તેની હાલત જોતાં ગુજરાત સરકારને ફરીથી આ વણઝારી તળાવ પર થયેલ દબાણો દૂર કરવા માટે પણ એક ઓપરેશન હાથ ધરવાનો વારો આવી શકે તેમ છે.




