
અમદાવાદ માં પોતાની પડતર માંગણીઓ અને અન્યાયી નીતિઓ સામે લાંબા સમયથી લડત ચલાવી રહેલા ગુજરાતના ખેડૂતોએ આજે અમદાવાદમાં વિશાળ રેલી યોજીને સરકાર સામે મોરચો માંડ્યો છે, લાંબા સમયથી બાકી રહેલા પાક વીમાની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે, ટેકાના ભાવ (MSP) પર કાયદાકીય ગેરંટી આપવામાં આવે અને પાકના યોગ્ય ભાવ મળે, ખેતી માટે અપાતી વીજળી પૂરતા પ્રમાણમાં અને દિવસે જ પૂરી પાડવામાં આવે, આર્થિક કટોકટીમાં સપડાયેલા નાના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ પડતર હોવાથી ખેડૂતો રેલી લઈને ગાંધીનગર જઈ રહ્યા છે, ખેડૂતોના આ ઉગ્ર આંદોલનને પગલે અમદાવાદના કલેક્ટર કચેરી અને આસપાસના વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે, અગમચેતીના ભાગરૂપે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, ખેડૂતોની ટ્રેક્ટર રેલીને કારણે શહેરના મુખ્ય હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડૂતોએ સરકારને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ માત્ર આશ્વાસનો જ મળ્યા છે, જો આ વખતે અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલન સમગ્ર ગુજરાતમાં વધુ ઉગ્ર બનશે અને અમે અચોક્કસ મુદતના ધરણા પર બેસીશું, જો સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો ખેડૂતોએ અમદાવાદમાં જ ધામા નાખવાની ચીમકી આપી છે, આ આંદોલનને પગલે રાજકારણ પણ ગરમાયું છે અને વિપક્ષી નેતાઓ પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે, હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોને શાંત રાખવા માટે કેવા પગલાં ભરે છે.




