૧૦ હજાર એકર જમીન બંજર બન્યાનો આક્ષેપ..

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા, અંબારેલી, નેસડા, ત્રાસદ, પીસાવાડા અને પાલડી સહિતના ગામોના ખેડૂતો દ્વારા નગરપાલિકા તથા આસપાસની કંપનીઓમાંથી છોડાતા દૂષિત અને કેમિકલયુક્ત પાણીના વિરોધમાં આજે, ૨૪ સપ્ટેમ્બરે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ધોળકા APMC ચોકડી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો એકત્ર થઈ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીનો ઘેરાવ કરવા રવાના થયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ૧૫ વર્ષથી કેમિકલયુક્ત પાણીના કારણે ૧૦ હજાર એકરથી વધુ ફળદ્રુપ જમીન બંજર બની ગઈ છે અને એક સમયે ‘ફૂલોની નગરી’ તરીકે ઓળખાતા વિસ્તારોની ખેતીને ભારે નુકસાન થયું છે. ઝેરી પાણીના કારણે સ્થાનિકોમાં ચામડીના રોગો સહિત ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ હોવાના તેમજ કેન્સરથી મોત થયાના આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ આંદોલનને સમર્થન આપ્યું છે. કેમિકલયુક્ત પાણી બંધ કરવાની માંગ સાથે યોજાઈ રહેલા આ આંદોલનને વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને રાજકીય નેતાઓનું પણ સમર્થન મળ્યું છે. રેલી અને બંધના એલાનને પગલે તંત્ર દ્વારા ત્રાંસદ ચોકડી, ધોળકા APMC ચોકડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
– AANDHINEWS




