ગાર્ડ ઓફ ઓનર અને ભવ્ય પાલખી યાત્રાએ સર્જ્યો ભક્તિમય માહોલ..

સુપ્રસિદ્ધ શક્તિપીઠ શ્રીબહુચરાજી ખાતે દશેરાના પાવન અવસરે જગતજનની માઁ બહુચર માતાજીને ઐતિહાસિક અને અત્યંત મૂલ્યવાન ‘નવલખો હાર’ પહેરાવી વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે માતાજીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જ્યારે ગાયકવાડ સરકારની પ્રાચીન પરંપરા અનુસાર મુખ્ય મંદિરથી સમી વૃક્ષ સુધી ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. આ ધાર્મિક વિધિઓ અને ભવ્ય પરંપરાના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દશેરાના દિવસે નવલખા હારનાં દર્શન, પોલીસનું ગાર્ડ ઓફ ઓનર અને પાલખી યાત્રા શ્રદ્ધાળુઓ માટે આસ્થાભર્યો તથા અવિસ્મરણીય અનુભવ બની રહ્યાં હતાં. મંદિરના પવિત્ર ગાદી સ્થાન પર પણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિશેષ પૂજન-અર્ચના કરવામાં આવી હતી, જેની પરંપરા ગાયકવાડ સરકાર દ્વારા નિયુક્ત પરિવાર નિભાવે છે.
ઐતિહાસિક દંતકથા અને રાજવી પરંપરાનો અમૂલ્ય વારસો ગણાતા આ નવલખા હારનો ઇતિહાસ ઈ.સ. ૧૮૩૯ સાથે જોડાયેલો છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે હર્નીયા (પાઠાનો રોગ) મટ્યા બાદ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ હાર ભેટ ધર્યો હતો. તે સમયે નવ લાખ રૂપિયાની કિંમત ધરાવતા આ હારનું વર્તમાન મૂલ્ય ૩૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. હારમાં જડેલા લીલા, વાદળી અને સફેદ નીલમ તેની અનોખી ચમક અને અમૂલ્ય મૂલ્યને વિશેષ બનાવે છે. આ હારને ગુજરાતનાં મંદિરોમાં પ્રાપ્ત સૌથી મૂલ્યવાન ભેટોમાંની એક માનવામાં આવે છે. આ ઐતિહાસિક આભૂષણની સુરક્ષા માટે તેને વર્ષ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને વર્ષમાં માત્ર બે વખત, દશેરા તથા બેસતા વર્ષે, ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કડક સુરક્ષા વ્યવસ્થા સાથે બહાર કાઢીને માતાજીને ધારણ કરાવવામાં આવે છે. શ્રીબહુચરાજી મંદિર ધાર્મિક મહત્ત્વની સાથે ઐતિહાસિક સ્થાપત્ય અને રાજવી વિરાસત માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે. ચાર બુરજ અને ત્રણ વિશાળ દ્વાર ધરાવતા આ ભવ્ય કિલ્લા જેવા મંદિરનું નિર્માણ ઈ.સ. ૧૭૮૩ માં માનાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. મંદિરના ગાદી સ્થાનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે અને દશેરાના પર્વે અહીં વિશેષ પૂજન યોજાય છે. આ ઉપરાંત, બહુચરાજી નજીક આવેલું આશરે ૫૨૦૦ વર્ષ જૂનું શંખલપુર ગામ પણ માતાજીના મુખ્ય સ્થાનક તરીકે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. નવલખા હાર સહિતનાં કિંમતી આભૂષણો, ઐતિહાસિક પરંપરાઓ અને ભવ્ય મંદિર સ્થાપત્યને કારણે શ્રીબહુચરાજી મંદિરની વિરાસત અત્યંત સમૃદ્ધ બની છે અને તેની કુલ સંપત્તિ કરોડો રૂપિયાને પાર હોવાનું જણાવાય છે. આમ, દશેરાના પાવન અવસરે ઉજવાતી આ પરંપરા ધર્મ, શ્રદ્ધા, ઇતિહાસ અને ગાયકવાડ રાજવી વારસાના અનોખા સંગમ સમાન બની રહે છે.
– AANDHINEWS




