
AMC ના ફૂડ વિભાગે દાણીલીમડા-પીરાણા રોડ પર આવેલા બહેરામપુરા વિસ્તારના એક કારખાનામાં દરોડો પાડીને લાયસન્સ વિના અને અસ્વચ્છ પરિસ્થિતિમાં ચાલતા ટોમેટો સોસ બનાવવાના યુનિટનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ટામેટાંના બદલે બટાકાના પાવડર, એસિડિક કલર સહિતની કેમિકલયુક્ત સામગ્રીનો ઉપયોગ કરીને સોસ બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. કારખાનામાં અત્યંત ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી. ફૂડ વિભાગની તપાસમાં સંચાલકો પાસે ઉત્પાદન સ્થળનું માન્ય લાયસન્સ ન હોવાનું અને લાયસન્સ માટે દર્શાવાયેલું સરનામું પણ ખોટું હોવાનું જાણવા મળ્યું હતું.
આ યુનિટમાં ‘ટેસ્ટી સ્નેક્સ કેચઅપ’ નામે સોસનું ઉત્પાદન કરીને વિવિધ દુકાનો અને ખાણીપીણીની લારીઓ પર વેચાણ કરવામાં આવતું હતું. ફૂડ વિભાગે ખરીદ-વેચાણનાં બિલ માગતાં સંચાલકો કોઈ બિલ રજૂ કરી શક્યા નહોતા. કાર્યવાહી દરમિયાન અંદાજે ૨૦૦૦ કિલો જેટલો કાચો માલ અને તૈયાર સોસનો જથ્થો જપ્ત કરીને સમગ્ર યુનિટને સીલ કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા જથ્થાનાં સેમ્પલ લઈ તેને નાશ કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી શહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
– AANDHINEWS




