સાયબર ક્રાઈમ અને ખાસ કરીને ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે સિનિયર સિટીઝનો સાથે થઈ રહેલી કરોડો રૂપિયાની ઠગાઈના મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસની તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે સિનિયર સિટીઝનને સમજણ નથી પડતી તેવું કહીને પોલીસ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે સાયબર પોલીસની તપાસની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવતા પૂછ્યું કે અત્યાર સુધીમાં કેટલા પીડિતોના નાણાં પરત અપાવવામાં આવ્યા છે. કેસમાં એક પીડિતના ₹૬૦ લાખ ઠગાઈમાં ગયા હોવા છતાં રકમ પરત ન મળતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે એક આરોપીનું બેન્ક એકાઉન્ટ ભાડે લેવામાં આવ્યું હતું અને તેની પાસેથી ₹૧૦ લાખની રકમ મળી આવી છે. આ આરોપી પીડિતને રકમ પરત આપવા તૈયાર હોવા છતાં પોલીસ દ્વારા તે રકમ પરત કેમ અપાવવામાં આવી નથી તે અંગે કોર્ટે સવાલ કર્યો હતો. સાથે જ મુખ્ય આરોપી મોહમ્મદ દાનિશ અન્ય સહઆરોપીઓના મ્યુલ એકાઉન્ટમાં ઠગાઈની રકમ ટ્રાન્સફર કરતો હોવાની વિગતો સામે આવી હોવા છતાં તે સુધી પોલીસ પહોંચી ન શકતાં કોર્ટે તપાસની દિશા અંગે ગંભીર નોંધ લીધી હતી. હાઈકોર્ટે તપાસનીશ અધિકારીને ડિજિટલ એરેસ્ટમાં ઠગાયેલી રકમ કયા બેન્ક ખાતામાંથી ક્યાં અને કોના ખાતામાં ટ્રાન્સફર થઈ તેની સંપૂર્ણ વિગતો દર્શાવતો નાણાકીય વ્યવહારોનો ચાર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. તેમજ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને પક્ષકાર બનાવવાની સૂચના આપી છે. કોર્ટે તપાસનીશ અધિકારીને આગામી સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવા આદેશ આપ્યો છે અને મામલાની વધુ સુનાવણી ૩૦ સપ્ટેમ્બરના રોજ મુકરર કરી છે.
– AANDHINEWS




