નજીવી બોલાચાલીની અદાવતમાં સગીર સહિત પરિવાર પર હુમલો..

અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં વાહન સાઇડમાં લેવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને ૫ થી ૭ શખસોએ દુકાનમાં ઘૂસી ૧૭ વર્ષીય સગીર સહિત પરિવારજનો પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાનકોર નાકા પાસે મોપેડ સાઇડમાં લેવા બાબતે અમાન નામના સગીર સાથે કેટલાક શખસોની બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ત્યારબાદ ૨૪ સપ્ટેમ્બરની સાંજે આરોપીઓનું ટોળું ઢાલગરવાડ સ્થિત મોહમંદ અમીન એહમદહુસૈનની દુકાનમાં ઘૂસી આવ્યું હતું. આરોપીઓએ અમાન સાથે મારામારી શરૂ કરતાં વચ્ચે પડેલા મોહમંદ અમીન, તેમના પુત્ર આકીલ અને મિત્ર ઝહીર મન્સુરી પર પણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ દુકાનમાં તોડફોડ કરી ઝહીરનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. ઘટનાના CCTV ફૂટેજમાં ટોળું દુકાનમાં ઘૂસી સગીરને ઢસડીને માર મારતું અને આસપાસના વેપારીઓ બચાવવા માટે વચ્ચે પડતા હોવા છતાં હુમલો ચાલુ રાખતું હોવાનું સામે આવ્યું છે. હુમલામાં મોહમંદ અમીન અને અમાનને માથા તથા મોઢાના ભાગે ઈજાઓ થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફરિયાદી મોહમંદ અમીનના જણાવ્યા મુજબ, હુમલામાં ઇરફાન વલીભાઇ ઘાંચી, રીયાજ વારીશ નુર એહમદ શેખ, નુર મોહમદ અબ્દુલ રશીદ શેખ, ઇરફાન યાસીનભાઇ શેખ અને ઇકબાલ યાસીનશેખ સહિતના શખસો સામેલ હતા. કારંજ પોલીસે પાંચ નામજોગ આરોપીઓ તેમજ અન્ય સાત અજાણ્યા શખસો સામે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
– AANDHINEWS




