સૈયદવાડી, પટેલ રો – હાઉસ ખાતે બેફામ ડુપ્લેક્ષ અને કોમર્શિયલ દુકાનોની સ્કીમના ગેરકાયદેસર બાંધકામો પર કોના ચાર હાથ.?

અ.મ્યુ.કોના દક્ષિણ ઝોનના વટવા વોર્ડમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સામે આવી છે, પી.ડી. પંડ્યા કોલેજ રોડ પર આવેલી ધર્મભૂમિ પાર્ક સોસાયટીની પાછળ અને અલફલાહ-૧ રો હાઉસની સામે આવેલ પટેલ રો – હાઉસ ખાતે મોટા પાયે નિયમોને નેવે મૂકીને ડુપ્લેક્ષ મકાનો અને કોમર્શિયલ દુકાનોના ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હોવાનો મામલો ચર્ચાની એરણે ચડ્યો છે. સ્થાનિક સ્તરે ઉઠી રહેલા સવાલો મુજબ, આ પ્રકારના મોટા પાયે થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામો મ્યુ.તંત્રના એસ્ટેટ અને ટી.ડી.ઓ વિભાગના અધિકારીઓની નજર સામે હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ખુલ્લેઆમ કોમર્શિયલ દુકાનો તેમજ ડુપ્લેક્ષ મકાનોની સ્કીમ ઊભી કરી દેવાઈ હોવા છતાં જવાબદાર તંત્ર માત્ર તમાશો જોઈ રહ્યું છે. સ્થાનિક રહીશોમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે, આવા ગેરકાયદેસર બાંધકામો કરનારા તત્વોને રોજ કયા અધિકારીઓ દ્વારા અ-સલામ ઠોકવામાં આવી રહી છે.? કોની દયા – રહેમ કે આશીર્વાદથી આ આખી સ્કીમ બેરોકટોક ચાલી રહી છે.? આની પાછળ તંત્રની મીઠી નજર કે પછી મોટો વહીવટ.? તે એક મોટો સવાલ છે. પતરાના શેડ મારીને અંદર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાની મોડસ ઓપરેન્ડી છતી થઈ ચૂકી હોવા છતાં દક્ષિણ ઝોનનું તંત્ર કોઈ પગલાં લેવા કેમ તૈયાર નથી. હવે જોવાનું એ છે કે મ્યુ.કમિશનર અને ઉચ્ચ સત્તાધીશો આ સમગ્ર પ્રકરણની તપાસ કરાવી જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ તેમજ ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે બુલડોઝર ફેરવશે કે પછી આ મામલે પણ આંખ આડા કાન કરવામાં આવશે.?
– AANDHINEWS




