૩૭૦થી વધુ પાર્ટી પ્લોટ, ૩ હજાર જાહેર અને ૧૯ હજાર શેરી ગરબામાં બંદોબસ્ત, મહિલા સુરક્ષા માટે શી-ટીમ સક્રિય, સોશિયલ મીડિયા પર પણ પોલીસની નજર..

નવરાત્રિ દરમિયાન ગુજરાતભરમાં ૨૨ હજારથી વધુ સ્થળોએ ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ૩૭૦થી વધુ પાર્ટી પ્લોટ, આશરે ૩ હજાર જાહેર ગરબા અને ૧૯ હજાર જેટલા નાના-મોટા શેરી ગરબાનું આયોજન થશે. ગરબા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ખેલૈયાઓ ખાસ કરીને મહિલાઓ તથા યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણી શકે તે માટે પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સંદર્ભે રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડાઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી.
ગરબા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે થ્રી-લેયર સુરક્ષા માળખું અમલમાં મૂકવાની તૈયારી કરવામાં આવી છે. મોટા આયોજનોમાં પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પર દેખરેખ, સીસીટીવી કેમેરા, મેટલ ડિટેક્ટર તથા બ્રેથ એનેલાઈઝર જેવી વ્યવસ્થાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે મહિલા પોલીસની શી-ટીમને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. શી-ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ સાદા વેશમાં તેમજ પરંપરાગત વસ્ત્રોમાં ગરબા સ્થળોએ હાજર રહી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખશે. આ ઉપરાંત પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસના જવાનોને પણ જરૂરિયાત મુજબ વિવિધ સ્થળોએ તૈનાત રાખવામાં આવશે.
બીજી તરફ, નવરાત્રિ દરમિયાન સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મૂકીને ધાર્મિક લાગણી ઉશ્કેરવા અથવા સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાં તત્ત્વો સામે પણ પોલીસ સતર્ક રહેશે. સોશિયલ મીડિયા પર સતત નજર રાખવા અને આવી પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ગરબા સ્થળોએ સુરક્ષા, મહિલા સલામતી, ટ્રાફિક વ્યવસ્થા અને સોશિયલ મીડિયા મોનિટરિંગને કેન્દ્રમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને નાગરિકો નિર્ભયપણે ઉત્સવની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા તમામ સ્તરે દેખરેખ રાખવામાં આવશે.
– AANDHINEWS




