
અમદાવાદ શહેરમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની પાણીની ટાંકીઓની સફાઈને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. નિયમ મુજબ પાણીની ટાંકીની દર છ મહિને સફાઈ થવી જોઈએ, પરંતુ છેલ્લા છ મહિનામાં શહેરની કુલ ૨૪૧ ટાંકીઓમાંથી માત્ર ૯૫ ટાંકી એટલે કે ૩૯.૪ ટકા ટાંકીઓની જ સફાઈ કરવામાં આવી છે. જ્યારે ૧૨૫ ટાંકીઓની સફાઈ છે થી બાર મહિનાના સમયગાળા દરમિયાન કરવામાં આવી છે અને ૨૧ ટાંકીઓ એવી છે, જેને સાફ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આમ, કુલ ૧૪૬ ટાંકીઓની છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ નથી, જ્યારે એક વર્ષથી વધુ સમયથી સફાઈ વગરની ૨૧ ટાંકીઓમાં ઉત્તર-પશ્ચિમ ઝોનની ૭, પશ્ચિમ ઝોનની ૬, ઉત્તર ઝોનની ૬, પૂર્વ ઝોનની ૧ અને દક્ષિણ ઝોનની ૧ ટાંકીનો સમાવેશ થાય છે. આ ૨૧ ટાંકીઓ કુલ ટાંકીઓના ૮.૭ ટકા છે. દરમિયાન અસારવા યુથ સર્કલના પ્રમુખે અનેક નાગરિકોની સહી સાથે મ્યુનિ.કમિશનર અને રાજ્યના શહેરી વિકાસ મંત્રીને પત્ર પાઠવી અસારવાની પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળવાની ઘટનાને પગલે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. રજૂઆત મુજબ અસારવાની ટાંકી અને પમ્પિંગ વ્યવસ્થા મારફતે ૪૫ હજારથી વધુ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. ટાંકીની તાત્કાલિક સંપૂર્ણ સફાઈ અને સેનિટાઈઝેશન, પાણીના બેક્ટેરિયોલોજિકલ તથા કેમિકલ પરીક્ષણ અને તેના સત્તાવાર અહેવાલને જાહેર કરવાની માગ કરવામાં આવી છે. ઉપરાંત ટાંકી તથા પમ્પિંગ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી ૨૪ કલાક સુરક્ષા ગાર્ડ, CCTV અને પ્રવેશ વ્યવસ્થાની તપાસ કરવા તેમજ ટાંકીની છેલ્લી સફાઈ અને જાળવણીના રેકોર્ડની ચકાસણી કરવાની રજૂઆત કરાઈ છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા અગાઉ ગંદા અને દુર્ગંધવાળા પાણી અંગે ફરિયાદો કરવામાં આવી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. ઘટનાની સંપૂર્ણ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા તથા પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી માટે કડક SOP અમલમાં મૂકવાની પણ માગ કરવામાં આવી છે.




