
અમદાવાદના મણિનગર સ્થિત એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નવી બની રહેલી બિલ્ડિંગ પાસે મંગળવારે સવારે દીવાલ ધરાશાયી થતાં એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના યાદપુર ગામના વતની અને હાલ હોસ્પિટલ પરિસરમાં રહીને લેબર કામ કરતા ૨૭ વર્ષીય છુટન શુક્રુમાર મંડલ સવારે જૂની હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કડિયા મજૂરી કરી રહ્યા હતા. તે દરમિયાન નવી બિલ્ડિંગ પાસે ચાલી રહેલા માટી પુરાણના દબાણને કારણે સવારે આશરે ૯ વાગ્યે અચાનક બાજુની દીવાલ તેમના પર ધસી પડી હતી. કાટમાળ નીચે દબાઈ જવાથી છુટનભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ બેભાન થઈ ગયા હતા.દુર્ઘટના સર્જાતાં જ સાથે કામ કરતા અન્ય શ્રમિક ક્રિષ્ના દ્વારા તેમને તાત્કાલિક સવારે ૦૯:૨૦ વાગ્યે એલ.જી. હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન સવારે ૧૧:૦૫ વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકી તરફથી જાણ કરાતાં મણિનગર પોલીસ મથકના એ.એસ.આઈ. રાજેશભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
– AANDHINEWS




