ગેરકાયદેસર બાંધકામોમાં વ્હાલા-દવલાની નીતિના આક્ષેપો વચ્ચે IAS અધિકારીઓ સામે કાર્યવાહીનો સવાલ..

ગુજરાત સરકારે ‘ઓપરેશન ગંગાજળ: હેઠળ સેવા રેકોર્ડ, ઈન્ટિગ્રિટી અને શિસ્ત સંબંધિત બાબતોની સમીક્ષા બાદ IAS અધિકારીઓ કે. રાજેશ અને ગૌરવ દહીયાને ૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર આ કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહેલી સર્વિસ-રેકોર્ડ સમીક્ષા સાથે સંકળાયેલી છે અને તેમાં અધિકારીઓ સામેના શિસ્ત તથા અખંડિતતા સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. હવે અ.મ્યુ.કો (AMC) માં ફરજ બજાવતા અધિકારીઓ સામે પણ એક સવાલ ઊભો થયો છે, જો કોઈ ઉચ્ચ અધિકારી સામે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં ભેદભાવ, પસંદગી મુજબની કાર્યવાહી અથવા ફરજ બજાવવામાં બેદરકારી અંગે સત્તાવાર ફરિયાદો અને દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ હોય, તો શું તેની પણ નિષ્પક્ષ સર્વિસ-રેકોર્ડ સમીક્ષા થશે? ખાસ કરીને DYMC સ્તરે ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી અંગે ‘વ્હાલા-દવલા’ની નીતિ અપનાવવાના આક્ષેપો કરવામાં આવ્યા હોય તો તેની તપાસ માત્ર નીચલા અધિકારીઓ સુધી મર્યાદિત રહેશે કે નિર્ણય લેવાની જવાબદારી ધરાવતા ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પણ તપાસવામાં આવશે?

અ.મ્યુ.કો માં ફરજ બજાવતા DYMC (IAS) દ્વારા જાણીબૂઝીને કાર્યવાહી ન કરવી, પસંદગીપૂર્વક ગેરકાયદેસર બાંધકામ ને દૂર ન કરવું, ચોક્કસ બાંધકામોને રાહત આપવી અથવા ફરિયાદો હોવા છતાં આંખ આડા કાન કરવા જેવા આક્ષેપો હોય, તો તેની સ્વતંત્ર તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઊઠી શકે છે. સવાલ એ પણ છે કે “ભ્રષ્ટાચારની વહેતી ગંગામાં હાથ ધોનારા અધિકારીઓ”ને ખરેખર કોઈ રક્ષણ મળે છે કે નહીં? તેનો જવાબ આક્ષેપોથી નહીં પરંતુ નિષ્પક્ષ તપાસ, દસ્તાવેજી પુરાવા, સર્વિસ રેકોર્ડ અને સત્તાવાર કાર્યવાહીથી જ મળી શકે.
– AANDHINEWS




