ભારતીય પાયલટ અને ૪ ઈઝરાયલી નાયકોએ ૧૭૪ મુસાફરોના જીવ બચાવ્યા..

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં ૩૩ હજાર ફીટની ઊંચાઈએ એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. ઓમાની મૂળના કો-પાયલટે અચાનક ક્રેશ કુહાડી અને છરી વડે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી વિમાનને ૯૦ ડિગ્રીના ખૂણે નીચે પાડીને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે લોહીલુહાણ થવા છતાં, કેપ્ટન સ્મિતે અદ્ભુત સાહસ દાખવી હુમલાખોર સામે લડત આપી અને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો. આ સમયસૂચકતા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કેપ્ટન સ્મિતની વીરતા બિરદાવી હતી. દરવાજો ખુલતા જ વિમાનમાં સવાર ચાર ઈઝરાયલી મુસાફરો યાનિવ હાયુન, અસફ રાજુઆન, ઝ્વિકા મેનેસ અને ડૉ. શોતા મુસાએવે તુરંત મોરચો સંભાળ્યો હતો. પ્લમ્બર યાનિવે હુમલાખોરને ખસેડી કંટ્રોલ પાછળ ખેંચી વિમાનને સીધું કર્યું, જ્યારે અસફ અને ઝ્વિકાએ શારીરિક બળ તેમજ હેડફોનના વાયરનો ઉપયોગ કરી હુમલાખોરને ૫૦ મિનિટ સુધી બાંધી રાખ્યો. બીજી તરફ, ડેન્ટિસ્ટ ડૉ. શોતાએ ગંભીર રીતે ઘાયલ કેપ્ટન સ્મિતનો રક્તસ્ત્રાવ રોકી તેમનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન ઓફ-ડ્યુટી પાયલટોએ વિમાનનું કંટ્રોલ સંભાળી સાઉદી અરેબિયાના એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ભારતીય પાયલટ અને ચારેય મુસાફરોની હિંમત, એકતા અને વિરતાના કારણે વિમાનમાં સવાર ૨૭ બાળકો અને ૬ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧૭૪ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
– AANDHINEWS




