છેડતી કરનાર રિક્ષાચાલકને ધક્કો મારી પોતાને બચાવી, આરોપીની ધરપકડ..

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને ધોરણ – ૧૦માં અભ્યાસ કરતી સગીરા ટ્યુશન ક્લાસ જવા નીકળી ત્યારે એક રિક્ષાચાલકે તેની સાથે છેડતી કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કલ્પેશ પટેલ નામના રિક્ષાચાલકે સગીરાને ટ્યુશન ક્લાસ પહોંચાડવાને બદલે ઓઢવ સ્થિત જડેશ્વર વનના ગેટ પાસે રિક્ષા ઊભી રાખી દીધી હતી અને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સગીરાએ ડર્યા વગર અદ્ભુત હિંમત દાખવી રિક્ષાચાલકને જોરથી ધક્કો માર્યો હતો અને તેની ચુંગાલમાંથી મુક્ત થઈ ભાગી નીકળી હતી. ત્યારબાદ તેણે બીજી રિક્ષા પકડીને સહીસલામત ટ્યુશન ક્લાસ પહોંચી ગઈ હતી. ટ્યુશન ક્લાસ પહોંચેલી સગીરા સતત રડતી હોવાથી શિક્ષિકાનું ધ્યાન તેના તરફ ગયું હતું. શિક્ષિકાએ તાત્કાલિક બાળકીની માતાને ફોન કરીને ક્લાસ પર બોલાવ્યા હતા, જ્યાં બાળકીએ પોતાની સાથે બનેલી સમગ્ર આપવીતી જણાવી હતી. આ ઘટના અંગે સગીરાની માતાએ વિલંબ કર્યા વગર ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી રિક્ષાચાલક કલ્પેશ પટેલની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
– AANDHINEWS




