
અમદાવાદ શહેરમાં એસ.પી રિંગ રોડ પાસેના નવા ભળી રહેલા વિસ્તારો AMC માટે જેકપોટ સમાન સાબિત થઈ રહ્યા છે. દસ વર્ષ અગાઉ જ્યાં ખેતરો અને ઉજ્જડ જમીન હતી તેવા વિસ્તારોના ખાલી પ્લોટ હાલ AMC માટે સોનાની લગડી સમાન બની ગયા છે. AMC એ પંદર જ દિવસના ટૂંકા ગાળામાં કુલ ₹૨૫૫૦ કરોડના પ્લોટ વેચવા કાઢ્યા છે. દસેક દિવસ અગાઉ ગોતા, આંબલી અને જગતપુર સહિતના વિસ્તારોમાં ૯ પ્લોટ વેચીને ₹૧૦૦૦ કરોડ કમાવાનું આયોજન કરાયું હતું. ત્યાર બાદ સોલા-થલતેજ, બોડકદેવ, મોટેરા વગેરે જેવા પોશ વિસ્તારોના વધુ ૧૧ પ્લોટ વેચીને AMC ₹૧૫૫૦ કરોડ પોતાની તિજોરીમાં ભરશે.
વેચવામાં આવનાર ૧૧ પ્લોટમાંથી ૬ પ્લોટ શોપિંગ કોમ્પ્લેક્સ તથા ઓફિસ (કમર્શિયલ) માટે અને ૫ પ્લોટ ફ્લેટ તેમજ બંગલોઝ (રહેણાંક) બનાવવા માટે વાપરવામાં આવશે. બોડકદેવમાં રહેણાંક માટે સૌથી વધુ પ્રતિ ચોરસ મીટર ₹૩.૧૦ લાખ સુધીનો ભાવ, જ્યારે સોલા, થલતેજ અને મોટેરા જેવા વિસ્તારોમાં પ્રતિ ચોરસ મીટર ₹૨.૭૫ લાખ સુધીનો તગડો ભાવ વસૂલવામાં આવશે. નવા વિકસતા આ વિસ્તારોમાં મિલકતો અને પ્લોટ વેચીને AMC પોતાની તિજોરી તો ભરી રહ્યું છે, પરંતુ શહેરમાં ભળી રહેલા આ નવા વિસ્તારોમાં ડ્રેનેજ, સ્ટોર્મવોટર લાઈન (પાણીના નિકાલ) જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓ સ્થાનિકો સુધી ક્યારે પહોંચશે તે એક મોટો યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.
ગેરકાયદેસર બાંધકામો અને ભ્રષ્ટાચાર અંગે સ્થાનિકોમાં ભારે રોષ..

AMC ના હદ વિસ્તારમાં દિન-પ્રતિદિન વધતા જતા ગેરકાયદેસર બાંધકામો અંગે ભારે ગંભીર સવાલો ઊભા થયા છે, જો AMC ના હદ વિસ્તારમાં થતા ગેરકાયદેસર બાંધકામો પર યોગ્ય કાબુ મેળવવામાં આવે અને આવા બાંધકામો નિયમ મુજબ મંજૂર કરવામાં આવે, તો AMC ને કરોડો રૂપિયાની કાયદેસરની આવક થઈ શકે તેમ છે. સ્થાનિક ભોગ બનેલા લોકોના જણાવ્યા મુજબ, નીચેના અધિકારીઓની ચાલતી ‘ગેરકાયદેસર બાંધકામોની હાટડીઓ’ બંધ ન થઈ જાય તે માટે ઉપર સુધીના ઉચ્ચ અધિકારીઓ આવા ગેરકાયદેસર બાંધકામોને અને પોતાના હાથ નીચેના અધિકારીઓને ખુલ્લેઆમ છાવરે છે. અધિકારીઓની આ નીતિ-રીતિને કારણે જ સરકારને વારંવાર ‘ઇમ્પેક્ટ ફી’નો કાયદો અમલમાં લાવવો પડે છે. અધિકારીઓ પહેલાં ગેરકાયદેસર બાંધકામો થવા દે છે. ત્યારબાદ જ્યારે આ બાંધકામો ઇમ્પેક્ટ કાયદા હેઠળ મંજૂર કરવાના આવે છે, ત્યારે પણ બાંધકામ કરનાર વ્યક્તિઓ પાસેથી ખૂબ મોટી રકમો પડાવીને અધિકારીઓ પોતાના ખિસ્સા ભરે છે અને વ્યાપક ભ્રષ્ટાચાર આચરે છે.
આમ, એક તરફ કોર્પોરેશન કરોડોના પ્લોટ વેચીને તિજોરી ભરી રહ્યું છે, તો બીજી તરફ ગેરકાયદે બાંધકામો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે સામાન્ય જનતા પીડાઈ રહી છે અને સરકારની તિજોરીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.
– AANDHINEWS




