હિંમતનગર નજીક બનેલી આ ઘટના માં ૧ નું મોત, ૧૧ ઈજાગ્રસ્ત, રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવી..

સાબરકાંઠાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને ફોરલેન હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે અડફેટે લીધા હતા. આ ગંભીર દુર્ઘટનામાં નાના ચેખલા ગામના વતની મોહનભાઈ રમણભાઈ વાઘેલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ૧૧ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી ૩ લોકોને હિંમતનગરની પ્લૂટો હોસ્પિટલમાં અને ૮ લોકોને સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ઢોળાસર ગામ પાસે જીઆરડી જવાનોએ બેરિકેડિંગ કરી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક ભરત પટેલે જવાનો પર કાર ચડાવી ભગાવી મૂકી હતી. ત્યારબાદ લગભગ અઢી કિલોમીટરના અંતરમાં તેણે અલગ-અલગ પદયાત્રીઓને કચડ્યા હતા. અકસ્માત સર્જી નાસી છૂટવાનો પ્રયાસ કરી રહેલા ચાલકને સ્થાનિકો અને પદયાત્રીઓએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. લોકોના ભારે આક્રોશ વચ્ચે સ્કોર્પિયો કારમાં તોડફોડ કરી આગ ચાંપી દેવામાં આવતાં તે બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા પોલીસ વડા (DSP), ગ્રામીણ પોલીસ, બી ડિવિઝન કાફલો અને LCBની ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે પહોંચીને સળગતી કાર પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ એ ડિવિઝન પોલીસ તેમજ મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વહીવટી તંત્રના સુરક્ષા જાહેરનામા છતાં હાઇવે પર દોડતા બેફામ વાહનોને કારણે પદયાત્રીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
– AANDHINEWS




