
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સારંગપુર ધામ ખાતે દરરોજ રાજ્યભર તેમજ દેશના વિવિધ વિસ્તારો માંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જોકે, ધ ગ્રાન્ડ આર્યન હોટલથી સારંગપુર ધામ તરફ જતો બોટાદ–બરવાળા સ્ટેટ હાઈવે નં. ૧૧૮ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ, ધંધુકા, બગોદરા તેમજ ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારો માંથી દરરોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. છતાં લાંબા સમયથી રસ્તા પર પડેલા ખાડા, તૂટેલા ડામર અને અસમતલ સપાટીના કારણે વાહનચાલકો અને યાત્રિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વરસાદી મોસમ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બનતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિક લોકો અને યાત્રિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રાજ્યના અગ્રણી ધાર્મિક યાત્રાધામો માં સ્થાન ધરાવતા સારંગપુર ધામ તરફ જતો મુખ્ય માર્ગ હોવા છતાં સંબંધિત માર્ગ અને મકાન વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા સમયસર સમારકામ કેમ કરવામાં આવતું નથી. યાત્રિકો માં એવી પણ ચર્ચા છે કે સારંગપુર ધામના વહીવટકર્તાઓ તથા સંબંધિત સ્થાનિક તંત્ર દ્વારા માર્ગની સમસ્યાના કાયમી નિરાકરણ માટે અસરકારક રજૂઆતો અને સંકલિત પ્રયાસો કરવામાં આવે તેવી જરૂરિયાત છે, જેથી દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી મળી શકે. સ્થાનિક નાગરિકો અને યાત્રિકોએ રાજ્ય સરકાર, માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક આ માર્ગનું સમારકામ કરાવી યાત્રિકોને રાહત આપવા અપીલ કરી છે.
-AANDHINEWS





