માત્ર ઔદ્યોગિક, કૃષિ અને લોજિસ્ટિક ઝોનમાં મંજૂરી..

અમદાવાદ શહેરમાં દોઢ વર્ષના આયોજન બાદ રેડી મિક્સ કોંક્રિટ (RMC) પ્લાન્ટ માટે નવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં રસ્તા, બ્રિજ, સોસાયટી અને શોપિંગ કોમ્પ્લેક્સ સહિતના બાંધકામો મોટા પાયે ચાલી રહ્યા હોવાથી અંદાજે ૫૦ થી ૭૦ જેટલા નાના-મોટા RMC પ્લાન્ટ કાર્યરત હોવાનું માનવામાં આવે છે. નવી નીતિ મુજબ રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોમાં અન્ય બાંધકામ સાઇટ પર કોંક્રિટ બનાવીને વેચતા ઓફ-સાઇટ કોમર્શિયલ RMC પ્લાન્ટ સ્થાપવા અને ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ડ્રાફ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. નીતિ અમલમાં આવ્યા બાદ માત્ર ઔદ્યોગિક, કૃષિ અને લોજિસ્ટિક ઝોનમાં જ કોમર્શિયલ RMC પ્લાન્ટ સ્થાપી શકાશે. બીજી તરફ, જે RMC પ્લાન્ટ બાંધકામની સાઇટ પર જ ઉપયોગ માટે કાર્યરત હોય અને કોમર્શિયલ રીતે અન્ય સ્થળે કોંક્રિટ વેચતા ન હોય તેવા નોન-કોમર્શિયલ પ્લાન્ટને ઝોનના નિયમો લાગુ નહીં પડે. RMC પ્લાન્ટ માંથી સિમેન્ટ અને ધૂળના રજકણોના કારણે થતું પ્રદૂષણ અટકાવવા સંચાલકોએ જરૂરી પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થા કરવી પડશે. નિયમોનો ભંગ કરનારા અથવા પ્રદૂષણ ફેલાવતા સંચાલકો સામે દંડ સહિતની કાર્યવાહી કરવાની જોગવાઈ રહેશે. જોકે, મહત્વની બાબત એ છે કે નવી RMC પોલિસી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થયાને દોઢ વર્ષ વીતી ગયા હોવા છતાં તેનો ડ્રાફ્ટ તૈયાર થયા બાદ પણ અંતિમ મંજૂરી અને અમલીકરણની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી.
– AANDHINEWS




