
સિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) સહિત આજુબાજુના ગામોમાં સિંહ અને દીપડાની વધતી અવરજવરથી ખેડૂતો, માલધારીઓ અને ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો છે. ચોમાસામાં બાગાયતી વિસ્તારોમાં ઝાડી-ઝાંખરા વધતા જંગલી પ્રાણીઓનો ખતરો વધુ રહેતા લોકો ખેતીકામ અને પશુ ચરાવવા જતાં અચકાઈ રહ્યા છે, લીંબુ સહિતની બાગાયતી ખેતી ધરાવતા વિસ્તારોમાં મજૂરો ખેતરમાં કામ કરવા તૈયાર ન થતા દવા છંટકાવ, સિંચાઈ અને નિંદણ જેવા ખેતીના કામ સમયસર થઈ શકતા નથી, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ગૌચરની જમીન ઓછી હોવાથી માલધારીઓને પશુઓને ગામની બહાર ચરાવવા લઈ જવું પડે છે, જ્યાં સિંહ અને દીપડાના હુમલાનો સતત ભય રહે છે. પશુઓના અવારનવાર મારણની ઘટનાઓ પણ સામે આવી રહી છે, સ્થાનિકોના જણાવ્યા મુજબ વન વિભાગ તરફથી માત્ર સામાન્ય વળતર ચૂકવી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવતી હોવાની ફરિયાદ છે. આ અંગે ગ્રામજનોએ સિહોર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને રજૂઆત કરી ગ્રામ પંચાયત, વન વિભાગ અને સંબંધિત વિભાગો દ્વારા સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરી રાજપરા સહિતના ગામોને સિંહ-દીપડાના ત્રાસમાંથી કાયમી રાહત મળે તેવા અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.
-AANDHINEWS




