
અ.મ્યુ.કોની તાજેતરની વીકલી રિવ્યુ બેઠકમાં શહેરમાં ડેન્ગ્યુના વધતા કેસો અને આરોગ્ય વિભાગની કામગીરી મુદ્દે મ્યુ.કમિશનરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીએ આગામી બે સપ્તાહ સુધી ડેન્ગ્યુના કેસ પીક પર રહેવાની શક્યતા વ્યક્ત કરતાં કમિશનરે સવાલ કર્યો કે, જો તંત્રને અગાઉથી સ્થિતિની જાણ હતી તો આગોતરી તૈયારીઓ કેમ કરવામાં આવી નહોતી.? ફોગિંગની કામગીરીની સમીક્ષા દરમિયાન યોગ્ય કામગીરી ન થતી હોવાની બાબતે પણ કમિશનરે કડક ટકોર કરી હતી. એક એજન્સીના રૂ. ૨૨ લાખના બિલમાંથી માત્ર રૂ. ૨ લાખની પેનલ્ટી કાપીને રૂ. ૨૦ લાખ ચૂકવાયા હોવાનું જણાવતા કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. કામ યોગ્ય રીતે ન થયું હોય તો માત્ર પેનલ્ટી નહીં, પરંતુ આખું બિલ અટકાવવા સૂચના આપવામાં આવી હતી. કમિશનરે સ્પષ્ટ કહ્યું કે, દવાનો યોગ્ય છંટકાવ કરવામાં આવે તો ફોગિંગની જરૂરિયાત જ નહીં રહે. બેઠક માં ડેન્ગ્યુ સહિતના રોગચાળાના કેસોનું ચોક્કસ મેપિંગ અને આંકડા માંગવામાં આવ્યા હતા. જોકે, આરોગ્ય અધિકારી સ્પષ્ટ માહિતી રજૂ કરી શક્યા નહોતા. આગામી બેઠકમાં રોગચાળાનું ચોક્કસ મેપિંગ અને આંકડા સાથે હાજર રહેવા કમિશનરે તાકીદ કરી હતી. સફાઈ કામદારો તથા ઈજનેર વિભાગના કર્મચારીઓની અનિયમિત હાજરી મુદ્દે પણ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લગાવવાના પ્રોજેક્ટની પણ સમીક્ષા થઈ હતી. શહેરની આશરે ૧૧,૦૦૦ હોટેલ-રેસ્ટોરન્ટમાંથી ૩,૦૦૦ સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આરોગ્ય વિભાગની કામગીરી, ડેન્ગ્યુ નિયંત્રણ અને ફોગિંગ અંગેની આગામી કાર્યવાહી પર હવે કમિશનરની સીધી નજર રહેશે.
– AANDHINEWS




