નવરંગપુરા પોલીસે આદિત્ય રાઠોડ સામે ગુનો નોંધી કાર જપ્ત કરી..

અમદાવાદ શહેરના સીજી રોડ પર ગીરીશ કોલ્ડ ડ્રિંક ચાર રસ્તા નજીક બુધવારે બપોરે વૈભવી કારના ચાલકે રોંગસાઇડમાં પુરઝડપે કાર હંકારી સ્ટંટ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન કારથી અકસ્માત સર્જાયા બાદ એક વ્યક્તિએ કારચાલકને ઠપકો આપતાં બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં નવરંગપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કારચાલક તરીકે આદિત્ય રાઠોડનું નામ સામે આવ્યું હતું. પોલીસે અકસ્માત અને મારામારીની ઘટનાને પગલે કાર કબજે કરી આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આદિત્ય રાઠોડ અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યો છે. અગાઉ જીએલએસ કેમ્પસમાં યુવક સાથે મારામારીના મામલે તેનું નામ સામે આવ્યું હતું. ઉપરાંત ગંભીર ગુના અને હથિયાર સાથે રીલ્સ બનાવવાના મામલે પણ તે ચર્ચામાં રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ જે વૈભવી કાર જપ્ત કરી છે, તે જ કારમાં આદિત્ય રાજકોટમાં હથિયાર સાથે ઝડપાયો હોવાનો પણ ઉલ્લેખ સામે આવ્યો છે. આદિત્ય રાઠોડ કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કિશોર લંગડા તેમજ તેના પુત્ર અજીતસિંહ વિરુદ્ધ અગાઉથી અનેક ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળેલ છે. સીજી રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં રોંગસાઇડમાં પુરઝડપે વાહન હંકારી સ્ટંટ કરવાના આ બનાવને પગલે પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
– AANDHINEWS




