
અમદાવાદ ગ્રામ્ય પોલીસની સાણંદ GIDC પોલીસ ટીમે ૨૩ ઓગસ્ટે સાણંદ-વીરમગામ હાઇવે પર વીરપુર પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. પોલીસે કન્ટેનરમાંથી આશરે ૧૨૦૦ બોક્સમાં ભરેલી ૩૨,૩૯૨ વિદેશી દારૂની બોટલો, જેની કિંમત રૂ. ૧.૧૧ કરોડથી વધુ થાય છે, જપ્ત કરી હતી. ટ્રક-કન્ટેનર, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. ૧.૩૬ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કરતારામ મેઘવાલની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર સહિત કુલ પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓમાં અજમેરનો સુરેન્દ્ર યાદવ, બાડમેરનો કન્ટેનર માલિક મેહરારામ માનારામ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ શખસોનો સમાવેશ થાય છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા સાથે દારૂની સપ્લાય ચેઇન, નાણાકીય વ્યવહારો, લોડિંગ-પરિવહન અને જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી છે. સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
– AANDHINEWS




