ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદના નિકોલ અને કુબેરનગર વિસ્તારમાં સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીના આધારે ૨૦ ઓગસ્ટે નિકોલ પોલીસે અટલ આવાસ યોજના નજીક વોચ ગોઠવી એક શખસને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સ્કૂટરની ડિક્કીમાંથી મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ મળી આવતાં તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી સુનિલ ઉર્ફે સોનુ રમેશ માખીજાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો સાથીદાર દિનેશ ફરાર હોવાનું સામે આવ્યું છે. દિનેશના કુબેરનગર સ્થિત મકાનમાંથી વિવિધ ફ્લેવર અને કેમિકલ ભરેલી ધાતુની તથા પ્લાસ્ટિકની કુલ 8 બોટલો તેમજ અન્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે મોબાઈલ સહિત કુલ રૂ. ૬૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવતા હતા. તેઓ ભંગારની દુકાનમાંથી મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો, ઢાંકણાં અને લેબલ મેળવી તેમાં સસ્તો દારૂ, પાણી, કેમિકલ અને ફ્લેવર મિક્સ કરી નકલી સીલ લગાવી વેચતા હતા. હાલ પોલીસે સુનિલની ધરપકડ કરી છે અને ફરાર દિનેશને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
-AANDHINEWS




