વરુણ પટેલનો ખુલ્લો પડકાર – ‘હિંમત હોય તો એકલા હાથે ચૂંટણી લડી બતાવો’

અમદાવાદ: દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના એક ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ તેવું નિવેદન આપતાં રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની હાજરીમાં પબુભા માણેકે કોળી સમાજની વસ્તી અને રાજકીય તાકાતનો ઉલ્લેખ કરીને સમાજને મુખ્યમંત્રી પદમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવી વાત કરી હતી. તેમના આ નિવેદન સામે પાટીદાર સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા છે. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આ નિવેદનની ટીકા કરતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કોઈ એક જ્ઞાતિ કે સમાજના નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના હોય છે. જ્ઞાતિ આધારિત મુખ્યમંત્રીની વાત કરવાથી સમાજમાં વિભાજન ઊભું થઈ શકે છે.
બીજી તરફ પાટીદાર આગેવાન વરુણ પટેલે પબુભા માણેક સામે આક્રમક વલણ અપનાવી સીધો પડકાર ફેંક્યો છે. તેમણે આક્ષેપાત્મક અંદાજમાં જણાવ્યું હતું કે પબુભા માણેક સત્તા અને પૈસાના જોરે આવી વાતો કરી રહ્યા છે અને તેમની ચૂંટણી જીતવા પાછળ પક્ષનું રાજકીય બળ છે. જો તેમનામાં ખરેખર રાજકીય તાકાત હોય તો પક્ષના સહયોગ વિના અપક્ષ તરીકે એકલા હાથે ચૂંટણી લડીને બતાવે. આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિ આધારિત નેતૃત્વ, રાજકીય વર્ચસ્વ અને આગામી ચૂંટણીનાં સમીકરણોને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે. હવે પબુભા માણેક આ પડકારનો શું જવાબ આપે છે તેના પર રાજકીય વર્તુળોની નજર છે.
– AANDHINEWS




