ગિરનારમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો, જંગલના માર્ગો પર અન્નક્ષેત્રો ધમધમ્યાં, સેવાભાવીઓએ ભક્તોની કરી સેવા..

જૂનાગઢ ગિરનારની પાવન તળેટીમાં આજે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલાં જ લાખો શ્રદ્ધાળુઓના પ્રવાહથી ભવનાથ તળેટી અને ગિરનારનું જંગલ ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગુંજી ઊઠ્યું છે. હાથમાં ધર્મધ્વજા અને હૃદયમાં ૩૬ કિલોમીટરની ગિરનાર પરિક્રમા પૂર્ણ કરવાનો સંકલ્પ લઈને વડીલોથી લઈને યુવાનો, મહિલાઓ અને બાળકો સુધીના ભાવિકો ભક્તિભાવ સાથે યાત્રાએ નીકળ્યા છે. ગિરનાર પરિક્રમાના માર્ગો પર રાજ્યભરમાંથી આવેલી સેવાભાવી સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા ઠેર-ઠેર અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યાં છે. યાત્રાળુઓને ગરમ ભોજન, ચા-પાણી અને નાસ્તો પીરસીને સેવાભાવીઓ ‘ભક્તોની સેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને સાર્થક કરી રહ્યા છે. પરિક્રમાના પ્રથમ દિવસે હજારો યાત્રાળુઓએ જંગલના કઠિન અને સાંકડા રસ્તાઓ પસાર કરીને પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી તરફ પ્રયાણ કર્યું હતું. પરિક્રમાના માર્ગો પર ઢોલક અને મંજીરાના તાલે ભજન-કીર્તનની રમઝટ જામી છે. વિવિધ ભજન મંડળીઓ દ્વારા રામધૂન, કૃષ્ણભક્તિ અને ગિરનારી બાપાનાં ભજનોની ધૂનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. ભજનના તાલે મહિલાઓ સહિતના યાત્રાળુઓ રાસ-ગરબામાં પણ ઝૂમી રહ્યા છે. સાથે જ અજાણ્યા યાત્રાળુઓને મદદરૂપ થવાની ભાવના, વૃદ્ધોને સહારો આપવો અને થાકેલા ભક્તોને પાણી પીવડાવવાની સેવાભાવનાએ ગિરનાર પરિક્રમાને આસ્થા સાથે માનવતા અને એકતાના મહાપર્વમાં પરિવર્તિત કરી છે.
– AANDHINEWS




