“જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો” ૨૬ વર્ષથી દાન લેવાની પ્રથા પણ બંધ..

ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુરમાં માનવસેવા અને પરોપકારની અનોખી પરંપરા આજે પણ અવિરત ચાલુ છે. અહીં જલારામ બાપાની પ્રેરણાથી છેલ્લા ૨૦૬ વર્ષથી ભૂખ્યાને ભોજન કરાવવાની સેવા કરવામાં આવી રહી છે. ‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો’ ના સેવાભાવી સંદેશને સાર્થક કરતી આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ માનવતાનું જીવંત ઉદાહરણ બની છે. આ સદાવ્રતની સૌથી વિશેષ અને અનોખી વાત એ છે કે છેલ્લા ૨૬ વર્ષથી જલારામ મંદિર દ્વારા કોઈપણ પ્રકારનું રોકડ દાન કે ભેટ-સોગાદ સ્વીકારવામાં આવતી નથી. તેમ છતાં વર્ષના ૩૬૫ દિવસ અન્નક્ષેત્રમાં હજારો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. જાતિ, ધર્મ કે અમીર-ગરીબના કોઈપણ ભેદભાવ વિના ભૂખ્યાને ભોજન કરાવવાની આ પરંપરા આજે પણ અવિરત ચાલી રહી છે. દાન લીધા વિના પણ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખતું વીરપુર સમગ્ર દેશ માટે માનવતા, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે.
– AANDHINEWS




