૧૭.૮૪ લાખની મત્તાની ચોરી કરી ફરાર તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ કરી રહી છે.

અમદાવાદમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોવાની સ્થિતિ વચ્ચે પાલડી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. પાલડીમાં રહેતા અને ફેક્ટરી ચલાવતા તૃષિત રમેશભાઈ જાની તેમના પરિવાર સાથે 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન દુબઈ ફરવા ગયા હતા. આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પહેલા માળે આવેલા તૃષિતભાઈ અને તેમના નાના ભાઈ રૂષિતના બેડરૂમના દરવાજા, કબાટ અને ગોદરેજ લોકરનાં તાળાં તોડી ઘરમાં રાખેલો કિંમતી સામાન વેરવિખેર કરી ચોરી કરી હતી.
પરિવાર 15 ઓક્ટોબરની સવારે દુબઈથી પરત ફર્યો ત્યારે ઘરના દરવાજા અને તાળાં તૂટેલી હાલતમાં જોવા મળતાં ચોરીની જાણ થઈ હતી. તસ્કરો આશરે 128 ગ્રામ સોનાના દાગીના, 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના અને સિક્કા, રૂપિયા 10 લાખની રોકડ તેમજ રૂપિયા 40 હજારની કિંમતના ડીવીઆર અને આઈપેડ સહિત કુલ રૂપિયા 17.84 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે બંધ મકાનમાં થયેલી આ મોટી ચોરીને અંજામ આપનારા તસ્કરોને ઝડપી પાડવા પોલીસ તપાસ કરી રહી છે.
– AANDHINEWS




