હુમલા માં બે જવાન ઘાયલ થતા સુરક્ષાદળો એલર્ટ મોડ પર..

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોને નિશાન બનાવી ફાયરિંગની ઘટના સામે આવી છે. બપોરે આશરે ૦૨:૧૫ વાગ્યે સંવેદનશીલ ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ અને એરિયા ડોમિનેશનની કામગીરી દરમિયાન મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ CRPFના જવાનો પર અચાનક ગોળીબાર કર્યો હતો. હુમલાખોરો ફાયરિંગ કર્યા બાદ બાઇક પર ફરાર થઈ ગયા હતા.આ હુમલામાં CRPFના બે જવાનોને ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સાથી જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ અનંતનાગની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF અને ભારતીય સેનાની વધારાની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને નાકાબંધી સઘન બનાવવામાં આવી છે. ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષાદળો દ્વારા આસપાસના વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
– AANDHINEWS




