
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગથી શ્રીનગર જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલર કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ નજીક અચાનક ચાલકના કાબૂ બહાર જઈ અંદાજે ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ડ્રાઈવર સહિત કુલ ૧૮ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં અમદાવાદ અને સુરતના ૮ પ્રવાસીઓનો પણ સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક રહીશો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી તમામ ઈજાગ્રસ્તોને ગુંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. ત્યારબાદ પ્રાથમિક સારવાર આપીને તમામને વધુ સારવાર માટે શ્રીનગરની SKIMS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક અહેવાલો મુજબ, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ૧૮ પ્રવાસીઓમાંથી ૬ ની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોમાં અમદાવાદનાં શારદાબેન (૫૮), રમેશભાઈ (૫૯), શોભાબેન (૫૦) અને સુરતનાં દાયશાબેન (૪૨) સહિતના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને પંજાબના ગુરદાસપુરના રહેવાસી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વાહનની વધુ ઝડપને કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ સમગ્ર અકસ્માત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
AANDHINEWS..




