
સોના-ચાંદીના ઊંચા ભાવથી બે વર્ષમાં વેપાર ઘટીને ૫૦ થી ૬૦ ટકા..
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદની બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે, પરંતુ સોના-ચાંદીના આસમાને પહોંચેલા ભાવને કારણે સોની બજારમાં અપેક્ષા મુજબનો ધમધમાટ જોવા મળતો નથી. બે વર્ષ પહેલાંની સરખામણીએ સોનાના દાગીનાના વેપારમાં ઘટાડો નોંધાયો છે અને હાલ વેપાર માત્ર ૫૦ થી ૬૦ ટકા જેટલો રહ્યો છે. એક સમયે સોનું પોણા બે લાખ રૂપિયા પ્રતિ તોલા સુધી પહોંચ્યું હતું, જે હાલમાં ઘટીને રૂ. ૧.૪૮ લાખ થયું છે. તેવી જ રીતે વર્ષની શરૂઆતમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૧.૭૬ લાખ અને એક કિલો ચાંદીનો ભાવ રૂ. ૩.૮૬ લાખ હતો, જે ઘટીને અનુક્રમે રૂ. ૧.૪૮ લાખ અને રૂ. ૨.૧૦ લાખ થયો છે. ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ગ્રાહકોની ખરીદીમાં ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. આ દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદના સોના-ચાંદીના લોકલ માર્કેટમાં અંદાજે રૂ. ૧૫૦ કરોડનો વેપાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સોનાના ઊંચા ભાવને કારણે મધ્યમ વર્ગ માટે ઘરેણાં ખરીદવા મુશ્કેલ બન્યા છે અને લગ્નસરાની સિઝન શરૂ થવા છતાં નવી ખરીદીએ વેગ પકડ્યો નથી. સોની વેપારીઓના જણાવ્યા અનુસાર, હાલ ૮૦ ટકા ગ્રાહકો જૂના દાગીના આપીને તેની સામે નવા દાગીના ખરીદી રહ્યા છે, જ્યારે માત્ર ૨૦ ટકા ગ્રાહકો જ નવી ખરીદી કરી રહ્યા છે. ધનતેરસના શુભ મુહૂર્તમાં સોનું-ચાંદી ખરીદવાની પરંપરાને જાળવી રાખવા લોકો મોટા દાગીનાને બદલે શુકન પૂરતી ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને ૯ થી ૧૮ કેરેટના હળવા વજનના દાગીના તેમજ રૂ. ૧૫ થી ૨૫ હજાર સુધીની કિંમતના સોના-ચાંદીના ઘરેણાંની માંગ વધુ જોવા મળી રહી છે.
– AANDHINEWS




