
અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનના પાછળના કમ્પાઉન્ડમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનના પરિસરમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલો મુદ્દામાલ અને અન્ય વાહનો પાર્ક કરવામાં આવ્યાં હતાં. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અંદાજે ૨૦ થી ૨૫ વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. આગ લાગતાં જ પોલીસ સ્ટાફ અને સ્થાનિકોએ તેને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા, જ્યારે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. બળેલા વાહનોમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો ઉપરાંત પોલીસ સ્ટાફ અને કામ અર્થે આવેલા નાગરિકોનાં વાહનો પણ હોવાની આશંકા છે. હાલ તંત્ર દ્વારા નુકસાન પામેલા વાહનોની ગણતરી અને ચકાસણી કરવામાં આવી રહી છે. આ મામલે દાણીલીમડા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી છે અને આગનું વાસ્તવિક કારણ જાણવા FSLની ટીમની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.
– AANDHINEWS




