બોગસ દાન, ખોટા ખર્ચા અને નકલી કંપનીઓ મારફતે ટેક્ષ ચોરીનું મોટું કૌભાંડ..

અમદાવાદમાં કાગળ પર અસ્તિત્વ ધરાવતી હોવાનું જણાવાતી ‘આમ જનમત પાર્ટી’ના નામે રૂ. ૨૫૦ કરોડથી વધુની કથિત ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઈન્કમટેક્સ વિભાગની તપાસ મુજબ, વર્ષ – ૨૦૨૨ – ૨૩ અને ૨૦૨૩ – ૨૪ દરમિયાન પાર્ટીના બેંક ખાતાઓમાં રૂ. ૮૪૩.૯૭ કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હતા. આક્ષેપ મુજબ, પાર્ટીના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે મોટા કરદાતાઓ પાસેથી ડોનેશન મેળવી તેમને ૧૦૦ ટકા ટેક્સ કપાતનો લાભ અપાવવાની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ ચૂંટણી પ્રચાર, રેલી અને જાહેરાતોના ખોટા ખર્ચા દર્શાવી નાણાં બોગસ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા અને આંગડિયા પેઢીઓ મારફતે રોકડમાં ઉપાડી કમિશન કાપ્યા બાદ મૂળ દાતાઓને પરત આપવામાં આવતા હતા.
આ કથિત કૌભાંડમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, વ્યવસ્થાપક દિનેશકુમાર જૈન તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મયૂરસિંહ રાઠોડ, પ્રણવ શાહ અને આકાશ સોનીની સંડોવણી હોવાના આક્ષેપો થયા છે. તપાસમાં ખોટા ઓડિટ રિપોર્ટ, બનાવટી દસ્તાવેજો અને બોગસ ખર્ચાઓના આધારે સરકારી તિજોરીને આશરે રૂ. ૨૫૦ કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હોવાનું જણાવાયું છે. આ મામલે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ, કેન્દ્રીય વર્તુળ દ્વારા સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, આક્ષેપોની અંતિમ સત્યતા તપાસ અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ નક્કી થશે.
– AANDHINEWS




