પાકિસ્તાન સામે પુરુષ ટેબલ ટેનિસ ટીમનો 3-0થી ક્લીન સ્વીપ..

એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન યથાવત્ રહ્યું છે. મેન્સ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ભારતીય પુરુષ ટીમે પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં ૩-૦ થી હરાવીને દમદાર જીત નોંધાવી છે. ગ્રુપ-F હેઠળ રમાયેલા મુકાબલામાં કુલ પાંચ મેચ રમાવાની હતી, પરંતુ ભારતે શરૂઆતની ત્રણેય મેચ જીતીને મુકાબલો પોતાના નામે કરી લીધો હતો. આ અગાઉ ભારતીય મહિલા ટીમે પણ પાકિસ્તાન સામે જીત મેળવી હતી. મુકાબલાની પ્રથમ મેચમાં અનુભવી ખેલાડી હરમીત દેસાઈએ મોહમ્મદ ખાનને ૧૧-૪, ૧૧-૩ અને ૧૧-૫ થી હરાવી ભારતને ૧-૦ ની લીડ અપાવી હતી. ત્યારબાદ જી. સાથિયાન જ્ઞાનશેખરે અબ્બાસ ખાન સામે શાનદાર પ્રદર્શન કરતાં ૧૧-૧, ૧૧-૮ અને ૧૧-૯ થી સીધી ગેમ્સમાં જીત મેળવી ભારતની સરસાઈ ૨-૦ કરી હતી. ત્રીજી મેચમાં યુવા ખેલાડી પાયસ જૈને મોહમ્મદ ખાનને ૧૧-૪, ૧૧-૩ અને ૧૧-૫ થી પરાજય આપી ભારતનો ૩-૦ થી વિજય નિશ્ચિત કર્યો હતો. મુકાબલો ભલે કોર્ટ પર જોરદાર સ્પર્ધાથી ભરેલો રહ્યો હોય, પરંતુ મેચ બાદ બંને ટીમોના ખેલાડીઓએ ખેલદિલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પાયસ જૈન સહિત ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે નેટ પાસે હસ્તધૂનન કરી રમતગમતની ભાવનાનો પરિચય કરાવ્યો હતો. આ અગાઉ ભારતીય મહિલા ટીમે પણ જીત બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવી ખેલદિલીનો સંદેશ આપ્યો હતો.
– AANDHINEWS




