અમદાવાદમાં સુભાષ બ્રિજની જગ્યાએ નવા બ્રિજના નિર્માણને લઈને મ્યુનિસિપલ જનરલ બોર્ડની બેઠકમાં ભારે વિવાદ સર્જાયો છે.

નવા બ્રિજનું કામ દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન નામની કંપનીને સોંપવાના મુદ્દે વિપક્ષે સવાલો ઉઠાવી હોબાળો મચાવ્યો હતો. વિપક્ષનો આક્ષેપ છે કે, આ કંપનીને અગાઉ ગાંધીનગર GIDC દ્વારા ૨૦ વર્ષ માટે ડીબાર્ડ કરવામાં આવી હતી, તેમ છતાં તેને સિંગલ ટેન્ડરથી કામ કેવી રીતે સોંપાયું? વિપક્ષે ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ તેમજ કંપનીની પસંદગી અંગે તપાસની માંગ કરી છે. વિપક્ષે બ્રિજની ગુણવત્તા અને પ્રોજેક્ટના વધતા ખર્ચ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, નવા બ્રિજનું કામ મૂળ રૂ. ૨૪૧ કરોડમાં મંજૂર થયું છે, પરંતુ ભવિષ્યમાં આ ખર્ચ વધીને રૂ. ૩૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. કોન્ટ્રાક્ટરને વધુ નફો મળે તે માટે સમારકામના બહાને બ્રિજ તોડવાનો નિર્ણય લેવાયો હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ તમામ આક્ષેપોને નકારી કાઢી સ્પષ્ટતા કરી છે કે, હાલ કામ રૂ. ૨૪૧ કરોડમાં જ મંજૂર થયું છે અને બ્રિજની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. ડીબાર્ડ કંપની અંગે ઈજનેર વિભાગના અધિકારીઓ પાસે કોઈ રેકોર્ડ ન હોવાના દાવાથી પણ વિવાદ વધુ ઘેરાયો છે. વિપક્ષે સવાલ કર્યો છે કે, જો કંપની સામે અગાઉ પ્રતિબંધાત્મક કાર્યવાહી થઈ હોય તો તેની પાત્રતા અને રેકોર્ડની ચકાસણી કર્યા વિના તેને કામ કેવી રીતે અપાયું? સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કરાવી જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં, વિપક્ષના કાઉન્સિલરે દાવો કર્યો છે કે, સુભાષ બ્રિજ અંગેની દરખાસ્ત જનરલ બોર્ડના એજન્ડામાં જ સામેલ નહોતી અને નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો હોવા છતાં કંપની દ્વારા છેલ્લા બે મહિનાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ દાવાથી બ્રિજના નિર્માણની પ્રક્રિયા અંગે વધુ સવાલો ઉભા થયા છે. હવે કંપનીની પાત્રતા, ટેન્ડર પ્રક્રિયા, ખર્ચ અને મંજૂરીની સમગ્ર પ્રક્રિયામાં કેટલી પારદર્શિતા જળવાઈ છે તે અંગે મ્યુનિસિપલ કમિશનરની તપાસ અને જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી પર સૌની નજર છે.
– AANDHINEWS




