
અમદાવાદના રાણીપ વિસ્તારમાં RTO ચાર રસ્તા નજીક અજય સાલ્વી નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ જૂની અંગત અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હુમલાખોરોએ જાહેર રસ્તા પર પોલીસ ચોકીની સામે જ અજય સાલ્વી પર છરા વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં રાણીપ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ઘટનાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળના CCTV ફૂટેજ તેમજ સ્થાનિક લોકોની પૂછપરછના આધારે હુમલાખોરો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસ ચોકીની સામે જ બનેલી આ હત્યાની ઘટનાને પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
-AANDHINEWS




