
સંસદના ચોમાસુ સત્રના અંતિમ દિવસે પણ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ટકરાવ જોવા મળ્યો હતો. નીટ પરીક્ષા ગોટાળો, દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી અને રામ મંદિર ચંદા મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી અનેક વખત ખોરવાઈ હતી. સતત વિક્ષેપ વચ્ચે અંતે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.લોકસભાની કાર્યવાહી પૂર્ણ થતાં પહેલાં સમગ્ર ગૃહ ‘વંદે માતરમ્’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત તમામ સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હલદ્વાની રેલી બાદ સ્ટેજના શુદ્ધિકરણના મુદ્દે વિરોધ નોંધાવતા ગૃહમાં ભારે હોબાળો થયો હતો, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે સરકાર દરેક મુદ્દે ચર્ચા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.લોકસભા સ્થગિત થયા બાદ સ્પીકરના ચેમ્બરમાં ફ્લોર લીડર્સની ચા બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત એનડીએના નેતાઓ હાજર રહ્યા હતા. જોકે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોના નેતાઓ બેઠકથી દૂર રહ્યા હતા. સમગ્ર સંસદ પરિસરમાં કડક સુરક્ષા વચ્ચે રાજકીય ગરમાવો યથાવત રહ્યો હતો.
-AANDHINEWS




